Information about Bird 'Rufous Treepie', ખેરખટ્ટો પક્ષી વિશે થોડી જાણકારી

Rufous Treepie, ખેરખટ્ટો,

 આ ક્યુ પંખી છે? મારે ત્યાં નિયમિત આવે છે.. જોયું તો ખેરખટ્ટો (Rufous Treepie)હતો. પૂરા દોઢ ફૂટ લાંબા ખેરખટ્ટાને તમે એકવાર જુઓ તો બીજીવાર ભૂલો નહિ.


ગામડામાં તેને ખખેડો પણ કહે છે.



સોરી ટુ સે પણ ખેરખટ્ટો કાગડાનો કઝીન એટલે તફડંચી અને ચોરીની કળામાં તેના પિતરાઈથીય પાવરધો! 🙄

 તેને ટકાચોર કે હાંડીચટ્ટો પણ કહે છે. એંઠવાડના હાંડલા સાફ કરતો ફરે એટલે એવું જ નામ પડે ને! ખેરખટ્ટાને હંમેશા ઝાડ પર જ ફરવાની ટેવ,જમીન પર ઓછો ઉતરે.

આમ,છતાં ખેતરમાં કૂવાના થાળા પર પાણીની નીકે કે પાણીની પરબડી પાસે  જલપાન માટે ફરતો જોવા મળે.
બગીચાવાડીનો બહુ શોખીન. આપણી નજીકમાં જ હરતોફરતો હોય પણ થોડો શરમાળ હોવાથી સંતાતો ફરે એટલે એકદમ નજરે ન ચડે. પણ તેની બોલી પરથી તેની હાજરીની ખબર પડી જાય.

https://pratvibeautyparlor.blogspot.com/2020/05/rufous-treepie.html?m=1

તેના રૂપ,રંગ,આકાર યાદ રહી જાય તેવા છે. ડોક અને માથાનો ઘાટ કાગડા જેવો પણ તોય સોહામણો.. તેના સૌંદર્યંની ખરી ખૂબી તેની પીઠ અને પાંખોના સુંદર કેસરી બદામી રંગની છે.

 જૈન દેરાસરમાં આરસિયા પર કેસર નાખીને ઘસેલા ચંદનનો રંગ કેવો સરસ રતાશપડતો પીળો હોય છે,બસ તેના જેવો!

પહેલી નજરે તમને તે દોઢ ફૂટ લાંબો નહિ લાગે, કારણકે ભાઈ પોતે તો કાબર જેવડા જ છે પણ સાહેબની પૂંછડી તેના કરતા લગભગ ડબલ છે. અને જ્યારે તે ઊડે છે ત્યારે હવામાં લાંબી પૂંછડીવાળી પતંગ તરતી આવતી હોય એમ એ સરતો આવે છે!

ગાંધીનગરમાં અરણ્યભવનથી જલભવન થઈને સચિવાલય આવતાં પુરવઠાભવન સુધીના થોડા શાંત અને વૃક્ષવીથિકાપથ પર તેની આવી ઊડાન ઘણીવાર અમને જોવા મળી જાય છે.
https://pratvibeautyparlor.blogspot.com/2020/05/rufous-treepie.html

દેખાવે રૂપાળું બોલવે કડવું ને મીઠું ને એટલું જ નકલખોર. અવાજ કાઢવામાં તો કોઈ મિમિક્રી આર્ટિસ્ટને આંટી દે તેવું. મોજમાં હોય ત્યારે ‘કો-ઓ-ક્લિક...’ ‘કો-ઓ-ક્લિક...’ એવો મીઠો અવાજ કાઢે તો શકરો,બાજ કે બીજુ કોઈ શિકારી પંખી આવી ચડ્યું હોય તો  ‘ક્રે-ક્રે-ક્રે...’ એવો કર્કશ કંઠ પણ કાઢે.. અને લહેરમાં આવીને ગાવા જ બેઠો હોય ત્યારે ‘ક્લુ...ક- ક્લુ....ક’ એવી મધુર તાન છેડે... ઘરમાં હીંચકો હાલતો હોય તેવો અવાજ લાગે. શ્યામશિર પીળકના અવાજની નકલ તો એટલી આબાદ કરી બતાવે કે જાણતલ જ પારખી શકે.
https://pratvibeautyparlor.blogspot.com/2020/05/rufous-treepie.html

ખખેડાભાઈ ખોરાકની બાબતમાં આપણા પાડોશી ચીની લોક જેવા!

તેમને બધુ જ ભાવે. એ ફળ ખાય, જીવાત ઉડાવે, ઈયળોને દીઠી ન મૂકે, કાચિંડા અને નાના સાપનો તો ભારે રસિયો. અવારનવાર પંખીઓના ઈંડા અને બચ્ચા તફડાવીને ખાવાની ખાસ વૃત્તિ રાખે.

રાંધેલુ અનાજ પણ આરોગે, ક્યારેક ઘરની નજીક આવી ચડે તો ભીંતોમાં દર કરી બેઠેલી પીળી ભમ્મરીઓને પણ દાઢે ચડાવતો જાય.. એક વખત અડદિયાની ઢેફલી (ચકતુ...😊, ઢેફલી અમારો કાઠિયાવાડી શબદ છે 😊) તે પોતાની ચાંચમાં ન સમાઈ તોય લઈને ઊડ્યો, ઢેફલી નીચે પડી ગઈ તોય અડદિયાના શોખીને હાર ન માની અને ચાંચમાં દાબીને લઈ ગયો ખરો. પણ ખેરખટ્ટો ખેપાની ખગ છે,

પંખીઓના માળાના બચ્ચાને પંખીના કકળાટની કે પ્રતિકારની પરવા કર્યા વિના પંજામાં પકડી મુલાયમ બચ્ચાને વીંખી ખાય છે. માળો ફેંદી નાખે છે.

 ગયા વર્ષે મારા ફળિયામાં નાચણે (Fantail Flycatcher) બનાવેલો સરસ વાટકી જેવો માળો અને ઈંડા આ જાલિમે જબરદસ્તીથી તોડીફોડી નાખ્યો હતો,અને લોંઠકો તો એવો કે ક્યારેક 'આતા માઝી સટકલી' કરીને પોતાનાથી મોટા અને વજનદાર એવા ચામાચીડિયાનો પણ શિકાર કરી નાખે. .😱(છે ને અદ્દલ ચીનાઓ જેવો જ. . 😂)એટલે તો સાલીમ અલીએ તેને Highly destructive Bird કહ્યું છે.

પણ એ તો જેવી જેની પ્રકૃતિ! (પંખીની પ્રકૃતિની વાત કરું છું ભાઈ…! ) આપણા પાડોશી બાંગ્લાદેશે ખેરખટ્ટાની ખૈરિયત માટે ટપાલટિકિટ પણ બહાર પાડી છે.

ખખેડાભાઈ કેટલીક વખત માણસ સાથે ઘણાં હળીમળી ગયાના દાખલા છે. હાથમાંથી ચારો લઈ જાય. અરે! માથામાં નાખવાનું તેલ પી જવાના પણ દાખલા છે. રણથંભોર નેશનલ પાર્કમાં તો પ્રવાસીઓએ ખેરખટ્ટા સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં માણસના હાથમાંથી વસ્તુ લેવાના હેવાયા કરી ઘણાને સાવ પાળીતા,કહ્યાગરા બનાવી દીધા છે.

ખેરખટ્ટો આપણી વચ્ચે બારેમાસ રહે છે,છતાંય આપણે ધ્યાનપૂર્વક આ પક્ષીને જોતા પણ નથી. લોકડાઉનમાં પણ નહિ....😏
©યતીન કંસારા